India vs West Indies 2nd Test 1st Day (IND vs WI): ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસની રમત પૂરી થવા સુધી 4 વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરતા અણનમ 87 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અણનમ 36 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ કેપ્ટનશીપની ઇનિંગ રમતા 80 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડર, ગેબ્રિયલ, કેમાર રોચ અને વોરિકને એક-એક વિકેટ લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલા દિવસે 84 ઓવરમાં 288 રન બનાવ્યા હતા. ટીમ માટે રોહિત અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 74 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. રોહિતે 143 બોલનો સામનો કરીને 80 રન બનાવ્યા હતા. રોહિતની ઇનિંગ્સમાં 9 ફોર અને 2 સિક્સ સામેલ હતી. શુભમન ગિલ કંઈ ખાસ કરી શક્યો નથી. તે 10 રન બનાવીને આઉટ થયો હતો. અજિંક્ય રહાણે 8 રન બનાવીને આઉટ થયો હતો.
વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. કોહલીએ 161 બોલનો સામનો કરીને અણનમ 87 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. જાડેજાએ 84 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલી અને જાડેજા વચ્ચે 201 બોલમાં 106 રનની ભાગીદારી થઈ હતી. આ પહેલા રોહિત અને યશસ્વી વચ્ચે સદીની ભાગીદારી પણ થઈ હતી. બંનેએ 139 રનની ભાગીદારી નોંધાવી હતી.
વેસ્ટ ઈન્ડિઝ માટે જેસન હોલ્ડરે 13 ઓવરમાં 30 રન આપીને એક વિકેટ લીધી હતી. તેણે 3 મેડન ઓવર લીધી. વોરિકને 25 ઓવરમાં 55 રન આપીને એક વિકેટ લીધી હતી. ગેબ્રિયેલે 12 ઓવરમાં 50 રન આપીને એક વિકેટ લીધી હતી. કેમાર રોચે 13 ઓવરમાં 64 રન આપીને એક વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.