કાળઝાળ ગરમી અને બફારાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે બિપરજોય વાવાઝોડાના કારણે થોડો સમય પારો નીચે ઉતર્યા બાદ હવે પાછો ગરમીનો માહોલ છે. ઘગઘગતા તાપમાં બહાર નીકળવું પણ ભારે પડતું હોય છે. ત્યારે લોકો હવે ચોમાસું શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાત નેઋત્યના ચોમાસા માટે હજુ એક અઠવાડિયાની રાહ જોવી પડી શકે છે. હાલ જે સ્થિતિ છે તે મુજબ જૂન મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાતમાં નેઋત્યનું ચોમાસું બેસશે.
ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની વિધિવત શરૂઆત 13 જૂનથી થઈ હતી. આ વખતે ગત વર્ષની સરખામણીમાં વિલંબ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત ડૉ. અક્ષય દેવરાએ આ અંગે જણાવતા કહ્યું કે અત્યારની સ્થિતિ મુજબ મહિનાના અંત સુધીમાં સુરત અને ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જો કે તે પછી ચોમાસું કઈ રીતે આગળ વધશે તેના અંગે હજુ કોઈ સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું નથી. કેટલાક વિસ્તારોમાં આગામી 10 દિવસમાં પ્રી મોનસુન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય ભારતમાં સર્જાઈ રહેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે. બીજી બાજુ ગુજરાતના અન્ય શહેરો સહિત અમદાવાદમાં ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગુરૂવારે સરેરાશ મહત્તમ તાપમાન 37.3 અને ભેજનું પ્રમાણ સવારે 71 ટકા અને સાંજે 44 ટકા નોંધાયું હતું. અમદાવાદીઓએ હજુ પાંચ દિવસ ગરમી અને ઉકળાટ સહન કરવા પડી શકે છે. હવામાન અંગે આગાહી કરનાર ખાનગી સંસ્થા મુજબ અમદાવદામાં 25 જૂન સુધી વરસાદની શક્યતા લગભગ નહિવત જેવી છે. 26 જૂન પછી અમદાવાદમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવી શક્યતા જણાય છે.
(હવામાનની માહિતી) દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.