ઉનાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં લોકોને વધુ પ્રમાણમાં ઠંડુ પાણી પીવાની જરૂર પડે છે. પહેલાના સમયમાં લોકો માટલાનું પાણી પીતા હતા. જેના કારણે તેઓને સ્વાસ્થ્ય સંબંધિત ઓછી સમસ્યાઓ થતી હતી. ત્યારે ઉનાળાની ઋતુમાં આયુર્વેદિક દ્રષ્ટિએ માટલાનું ઠંડુ પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે તે જાણીશું.
ડીસાના આયુર્વેદિક ડોક્ટર જીતુભાઈ વૈદે જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકો ફ્રીજ અથવા બરફનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિએ માટલાનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. માટીના માટલામાં અનેક ગુણધર્મો રહેલા હોય છે.
માટીના માટલામાં પાણી ભરીને મુકવાથી માટીના માટલામાં રહેલા સૂક્ષ્મ ક્ષાર કેલ્શિયમના કેટલાક શ્રેષ્ઠ એલિમેન્ટ સતત પાણીમાં ભળ્યા કરે છે. જેને પીવાથી આપણા શરીરને પણ તે મળતા રહે છે. જ્યારે ફ્રીજમાં પ્લાસ્ટિકની બોટલમાં ભરીને મુકેલા પાણીમાં આવી કોઈ પણ વસ્તુ એડ થતી નથી. અને વધુ પડતા ઠંડા પાણીનું સેવન કરવાથી ગળાની પણ તકલીફો વધી જાય છે.
આયુર્વેદિક ડોક્ટર જીતુભાઈ વૈદે જણાવ્યું હતું કે, લોકોએ ઉનાળામાં માટલાનું પાણી પીવું જોઈએ. જેથી કરીને હાલ મોટાભાગના લોકોને થઈ રહેલી ગળાની બીમારીઓ સહિત સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી છુટકારો મેળવી શકશે.હાલ ઉનાળાની ઋતુમાં માટલાનું વેચાણ પણ વધ્યું છે. એક માટલાની કિંમત લગભગ 80 રૂપિયાથી લઈ 150 જ્યારે ચીનાઈ માટીના માટલાનો ભાવ 150થી લઈ 300 સુધીના છે.