You are currently viewing Property Documents: દસ્તાવેજના નિયમમાં મોટા ફેરફાર! ગોટાળા બંધ, આ તારીખથી ગુજરાતમાં લાગૂ થશે કડક નિયમો

Property Documents: દસ્તાવેજના નિયમમાં મોટા ફેરફાર! ગોટાળા બંધ, આ તારીખથી ગુજરાતમાં લાગૂ થશે કડક નિયમો

Property Documents: દસ્તાવેજ એ કોઈપણ મિલકતનો સૌથી મહત્ત્વનો, સૌથી મુખ્ય અને સૌથી પાવરફૂલ પુરાવો માનવામાં આવે છે. તેના આધાર પર જ મિલકતનો માલિકી હક નક્કી થતો હોય છે. આવી સ્થિતિમાં નિયમો સાથે છેડછાડ કરીને ઘણાં ભેગાબાજો અત્યાર સુધી ગેરરીતિઓ આચરતા આવ્યાં છે. જોકે, હવે ઘોડા જતા રહ્યાં પછી છેલ્લે છેલ્લે સરકારને બુદ્ધિ આવી છે. એટલે હવે સરકાર નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ગુજરાત સરકારે દસ્તાવેજના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કરી લીધું છે. આખો પ્લાન તૈયાર છે, આગામી 1 એપ્રિલથી ગુજરાત સરકારના નવા અને કડક નિયમો લાગૂ થઈ જશે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારના નવા નિયમાનુસાર આગામી તા.૧ એપ્રિલ 2024થી નવા નિયમનો કડકપણ અમલ થશે. નવા નિયમોનો અમલ થતાની સાથે જ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, નંબર આપવા ફરજિયાત બની જશે. જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ શકે નહીં. દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે. નવા નિયમના અમલ માટે તંત્ર સજ્જ હોવાનો દાવો પણ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે.

તા.૧ એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ ફેરફારમાં હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દસ્તાવેજ નોંધણી સમયે અત્યાર સુધી કોઇપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આંગળાની છાપ લગાડવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ  સાઇઝના ફોટા લગાડવાની જોગવાઇ કરવામાં આવી હતી. હવે આ જોગવાઇમાં જરૃરી સુધારા કરવાના હોવાથી નવી સૂચનાઓ  રાજ્યની દરેક સબ રજિસ્ટ્રાર કચેરીઓને આપવામાં આવી છે.

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારતી સરકારઃ

આટલા વર્ષોથી દસ્તાવેજોમાં ગેરરીતિઓ કરીને અનેક લોકોએ મસમોટા ગોટાળા કરી લીધાં. હવે મોડે મોડે સરકારને લાગ્યુ કે કંઈ ખોટું થઈ રહ્યું છે એટલે નવા નિયમો લવાઈ રહ્યાં છે. રાજ્યમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં મૂળ માલિકોને બદલે બેનામી માણસોને મિલકતના મૂળ માલિકો તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજોની નોંધણી થવાની ઘટનાઓ ધ્યાને આવી હતી. તંત્રને મોડે મોડે જ્ઞાાન આવ્યું હતું અને આ અંગે બચાવ કર્યો હતો કે આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલકતના મૂળ માલિકોને ન્યાયિક પ્રક્રિયાના નિવારણ માટે નાણાં અને સમયનો વ્યય થતો હતો જેથી આવા બોગસ તેમજ બનાવટી દસ્તાવેજોની નોધણીના કિસ્સા નિવારવા માટે સુધારા કરવા જરૃરી હતાં.

સરકારના પરિપત્રમાં શું છે?

મહેસૂલ વિભાગ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી પરંતુ હવે તા.૧ એપ્રિલથી દસ્તાવેજ નોધણીમાં દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવ્યા છે. આ સાથે એક ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે જેના આધારે સમગ્ર વિગતો ભરવા તાકીદ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ પરિપત્રની નકલ સમગ્ર રાજ્યના સબ રજિસ્ટ્રાર કચેરીઓને પહોંચાડી દેવામાં આવી છે અને તા.૧ એપ્રિલથી એટલે કે નવા નાણાંકીય વર્ષથી તેનો અમલ ફરજિયાત કરાવવાનું જણાવાયું છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply