Ambalal Patel Forecast: રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ વાદળછાયું રહેશે અને તાપમાનમાં આંશિક ઘટાડો થશે, જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે. મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં તાપમાન સામાન્ય છે પરંતુ 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ફરી વધારો થશે અને ભારે ગરમીનો અનુભવ થશે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે હવામાનમાં ફેરફારની આગાહી કરી હતી અને જણાવ્યું હતું કે એપ્રિલની ગરમીમાં મે મહિનાની શરૂઆતમાં ફેરફાર થવાની સંભાવના છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે 24 એપ્રિલ પછી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ સમયગાળા દરમિયાન ગરમીમાં વધારો થશે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે.
અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને આંબી જશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમી અને પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 22મી એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 28 અને 29 એપ્રિલથી ફરી ગરમી વધશે. મેની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની સંભાવના છે.
તેમણે એમ પણ કહ્યું છે કે 4 મેથી તાપમાન વધશે. 10 અને 12 મે વચ્ચે વાવાઝોડા સાથે પ્રી-મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા છે. 10 મે પછી પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. એટલે કે વાવાઝોડા સાથે સામાન્ય વરસાદની શક્યતા રહેશે. ચોમાસા પૂર્વેની ગતિવિધિઓને કારણે ગરમી વધશે. જો કે, જો ચક્રવાત વરસાદની સાથે રહેશે તો બગતી પાકને નુકસાન થઈ શકે છે.