Gujarat weather update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ છવાયેલુ હતુ. ત્યારે આજથી ફરી આગ ઓકતી ગરમીનો કહેર શરૂ થઇ ગયો છે. આજે બપોરે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં આજે અને આવતી કાલે ત્રણ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર જવાની આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતી કાલથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે.
આજે મંગળવારે હવામાન વિભાગ દ્વારા બે દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહી અને મેપ જાહેર કર્યા છે. જેમા આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે, આજે અને આવતીકાલે પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ત્રણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બુધવારથી રાજ્યમાં ગરમી વધવાની શક્તા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 40 ડિગ્રી જેવું તાપમાન રહેશે.
આ સાથે તેમણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તાપમાન વધવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે, સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે. અકળાવનારી ગરમી પડશે તેવી સંભાવનાઓ છે. પરંતુ આ ગરમી એક દિવસ રહેશે. અને ત્યાર બાદ ફરી હવામાનમાં ફેરફારની શક્યતાઓ છે. આ સાથે 18થી 20 એપ્રિલમાં ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળ છાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ક્યાક છાંટા કે વરસાદ થઈ શકે છે. કચ્છના ભાગો, ઉતર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં હવામાન પલટાની વધુ શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે. 24થી 25 એપ્રિલના ફરી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. વાદળ છાયુ વાતાવરણ રહેશે. અને આંધી વંટોળ આવશે. 27થી 29 એપ્રિલના વાદળ છાયા વાતાવરણ સાથે સખત ગરમી પડશે. મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર જવાની શક્યતા રહેશે. એપ્રીલ અને મે મહિનામાં પવનની ગતી વધુ રહેશે અને આંધી વંટોળ રહેશે તેવી પણ આગાહી છે.