Gujarat Rain Forecast: રાજ્યમાં ભરઉનાળે એટલે કે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતા. શુક્રવારે પણ આખો દિવસ પવન ફૂંકાતા ગરમીમાં થોડા અંશે રાહત મળી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અનેક આઠેક જિલ્લા સાથે દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠા અંગે આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં માહિતી આપતા જણાવ્યું કે, આજથી માવઠાની તીવ્રતામાં વધારો થશે. 13 તારીખે કચ્છ જિલ્લામાં માવઠાની તીવ્રતા સૌથી વધારે રહેશે. આજે વહેલી સવારથી કચ્છમાં અતિ ઘાટા વાદળો છવાઇ જશે અને માવઠાના ઝાપટા શરૂ થઇ જશે.
કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો દ્વારકા, જામનગર, પોરબંદરમાં આજે અતિ ઘાટા વાદળો થશે. સાથે જ અહીં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક ભાગોમાં પણ અતિ ઘાટા વાદળો જોવા મળી શકે છે. જ્યારે બપોર પછી અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.
ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં અતિ ઘાટા વાદળો જોવા મળશે અને અમુક જગ્યાએ માવઠાનો વરસાદ જોવા મળશે. 14 અને 15 તારીખે માવઠાની તીવ્રતા વધશે. આમાં પણ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં સૌથી વધારે અસર રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં બહુ ખતરો નથી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે. અહીં છૂટાછવાયા કોઇ વિસ્તારમાં ઝાપટા પડી જાય તે અપવાદરૂપ રહેશે.
14,15 અને 16 તારીખે પણ માવઠાના ઝાપટા જોવા મળશે. આ માવઠું સાર્વત્રિક નહીં હોય. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખ પછી પણ અમુક વિસ્તારોમાં ઘાટા વાદળો છવાયેલા જોવા મળી શકે છે. પરંતુ 16 તારીખથી વરસાદ પડવાનું બંધ થઇ જાય તેવી શક્યતાઓ છે.