Ambalal Patel Forecast : ચોમાસુ કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવતું હોય છે. નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોક વાયકા એટલે કે, ટીંટોડીના ઈંડા ક્યાં મુક્યાં તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતી હોય છે. ત્યારે લુણાવાડા તાલુકાના દલુખડ્યા ગામમાં ટીટોડીએ 4 ઈંડા મુક્યા છે. ટીંટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે. પક્ષીઓ સંવેદના અને ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવી શકાય છે. ટીટોડીના ઈંડા મુક્યા બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે ઘણી જ મહત્ત્વની વાત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ટીંટોડીએ ઈંડા ક્યાં મુક્યા તેના પરથી આપણે તારણ લગાવતા હોઇએ છીએ. ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે. જો ટીટોડી ચાર ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે, વરસાદ ચારેય માસ સારો થશે. જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવશે તેવી માન્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, ટીંટોડી અષાઢ મહિનામાં જ ઈંડા મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે. ટીટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, પક્ષીઓને દુકાળ પડવાનો હોય તે ખબર પડી જતી હોય છે. ટીંટોડી ઈંડા ઓછા મૂકે છે કારણ કે, તે સંવેદનશીલ પક્ષી છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.
હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે. ચકલી ધૂળમાં ન્હાય તો પણ સારો વરસાદ થાય છે અને ચોમાસામાં મોર બોલે તો પણ વરસાદ સારો થાય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર તેમના અવાજ પરથી ચોમાસુ કેવું રહેશે તેનું પણ તારણ કાઢી શકાય.