ભરશિયાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડીની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે. ગત મોડી રાત્રે બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો હતો. સરહદી વિસ્તારમાં પવન સાથે માવઠું થયું છે. થરાદ, વાવ, લાખણી સહિતના ગામોમાં મોડી રાત્રે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ પડતાં લોકો અને ખેડૂતોની ચિંતા વધી છે. પવન સાથે કમોસમી માવઠું થતાં રાયડો, એરંડા, ઘઉં, જીરુ સહિત અનેક પાકમાં નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.
નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 21 તારીખ સુધી કોઇપણ એકાદ દિવસ એવો હશે કે, જેમાં રાજ્યના અમુક વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે. ઘણી જગ્યાએ વાદળ થશે અને કોઇ જગ્યાએ સામાન્ય ઝાપટા પડી શકે છે. ઝાપટા કે છાંટા પડવાની શક્યતા માની રહ્યા છે તેમાં મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડાની આસપાસના કોઇ ગ્રામ્ય વિસ્તાર હોઇ શકે છે. પરંતુ વધારે શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અંગેની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય છાંટા પડી શકે છે. 22થી 24 ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં ન્યૂન્તમ તાપમાન 8 ડિગ્રી અને મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે.
જોકે, ગઇકાલે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં પાંચ દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. આ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતના વાતાવરણમાં બે દિવસ કોઇ મોટો તફાવત નહીં થાય. પરંતુ બે દિવસ બાદ લધુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઓછું થશે.