રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ વરસ્યુ છે. મોરબીમાં સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ માવઠું થયું હતુ. મોરબી ઉપરાંત અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તો બીજી બાજુ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જો માવઠું થાય, તો કોઈ પણ જણસી બગડે નહીં, તે માટે અત્યારથી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ જણસીને ખુલ્લામાં ન રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.
મોરબીમાં આજે રવિવારે સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો છે. મોરબીમાં તડકા બાદ અચાનક ઝરમર વરસાદ શરૂ થતાં બફારાનો અનુભવ થઇ રહ્યો છે.
મોરબી ઉપરાંત અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે બફારાથી રાહત મળી છે. બપોર બાદ વાતાવરણ વાદળછાયુ બન્યું હતુ અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. હાલ અંબાજીમાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના શનિવારે જણાવ્યા પ્રમાણે, 14મી એપ્રિલના રોજ, એટલે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. મોસમ વૈજ્ઞાનિકે તાપમાન અંગેની વાત કરતા જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં બે દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો અહીં ત્રણ દિવસ ડિસકમ્ફર્ટ સિચ્યુએશનની સ્થિતિનું નિર્માણ થશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.
માર્કેટિંગ યાર્ડ દ્વારા હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જો માવઠું થાય, તો કોઈ પણ જણસી બગડે નહીં, તે માટે અત્યારથી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોઈપણ જણસીને ખુલ્લામાં ન રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી ખૂબ સારી એવી જણસીની આવક નોંધાઈ રહી છે. ખેડૂતો પણ પોતાની જણસી લઈ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. ત્યારે આ જણસી યોગ્ય પ્રમાણમાં સચવાઈ રહે અને વરસાદ આવતા પલડે નહીં તે માટે સૂચના આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં કેસર કેરી તૈયાર થઈ રહી છે અને માર્કેટ યાર્ડોમાં ખુલ્લામાં ટનબંધ ઘંઉ, ચણા સહિતની જણસી ઠલવાઈ રહી છે ત્યારે હવામાનમાં પલટાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા. શનિવારે અમરેલી, ગોંડલ, કોટડાસાંગાણી તથા કચ્છ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં કમોસમી વાદળો છવાયા હતા. આ સાથે ધારી ગીરના પાતળા તરશિંગડા, ગઢીયા, ચાવંડ પંથકમાં તથા ખાંભાના ભાણીયા, ધાવડીયા ગામે કમોસમી ઝાપટાં વરસ્યા હતા. જ્યારે ગોંડલમાં ઉકળાટ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કોટડાસાંગાણી તાલુકામાં પણ મોડી સાંજે હવામાનમાં અચાનક પલટા સાથે ખરેડા, રાજગઢ, માણેકવાડા, રામોદ સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો.