ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આગામી દિવસોમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બન્ને હવામાન નિષ્ણાતો દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન, પવન અને ઠંડીનો માહોલ કેવો રહી શકે છે તેની સાથે માવઠાની સંભાવનાઓ અંગે આગાહી કરી છે. આ સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે, 26મી તારીખથી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે ઠંડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે. રાજ્યમાં વાદળો આવવાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. તારીખ 28મી ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળો આવશે અને ગરમીનું પ્રમાણ વધશે. પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આવનારા પલટાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે દેશના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યના ઉત્તર તથા ઉત્તર-પૂર્વના ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ થવાની સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. અંબાલાલે દેશની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે માર્ચની શરુઆતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે માર્ચમાં ગરમીનું જોર વધવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે.
હવામાના નિષ્ણાત જણાવે છે કે, 15મી માર્ચ સુધીમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે છે. જોકે, આ દરમિયાન તાપમાનમાં વધઘટ થતી રહેશે જેમાં મહત્તમ તાપમાન 34-36 અને 38 ડિગ્રી સુધી ઉપર-નીચે થઈ શકે છે. દેશમાં માર્ચ મહિનામાં ઘણાં ભાગોમાં ચોમાસા જેવો માહોલ થવાની શક્યતાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 24મી ફેબ્રુઆરીની બપોરે કરાયેલા આગાહીમાં આગાહીમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં આવતીકાલથી 2-3 ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે.
આ તરફ પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં પવન, તાપમાન અને માવઠા અંગે મહત્વની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, હવાની ગતિ અંગે વાત કરીને પરેશ ગોસ્વામી જણાવે છે કે, સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં 14થી 16 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ છે પરંતુ હાલ 15-20 કિલોમીટર પ્રતિ કાલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે ગસ્ટિંગ (પવનના ઝાટકા) 18-25 કિલોમીટર પ્રતિ કલાકનું છે. હમણાં પવનની આ ગતિ જોવા મળશે તેમાં હાલ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ નથી.
તેઓ કહે છે કે, હાલ ઠંડીનું હળવું મોજું ચાલી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં તેમાં ધીમે-ધીમે ઘટાડો થતો જશે. આ સાથે તેમણે કહ્યું છે કે, હવે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યો છે, હવે શિયાળાના ખાસ દિવસો બાકી રહ્યા નથી. ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે પરંતુ રાજ્યમાં હવે ઠંડીનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી.
માવઠાની સંભાવનાઓ અંગે વાત કરીને પરેશ ગોસ્વામી જણાવે છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના લીધે 25 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, આ પછી 26-27 તારીખ દરમિયાન રાજ્યમાં ઘણાં વિસ્તારોમાં માવઠાના ઝાપટાં થઈ શકે છે. જોકે, આ સાર્વત્રિક કે મોટા માવઠાની સંભાવનાઓ નથી.
હવામાન નિષ્ણાત સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે કે, આ દરમિયાન કચ્છ સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ સેન્ટરો પર એકલ-દોકલ જગ્યાઓ પર ઝાપટાં થઈ શકે છે. દક્ષિણમાં રાજપીપળા, સુરત અને ડાંગ જિલ્લામાં પણ ક્યાંક ઝાપટાં પડી શકે છે. જોકે, વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છે.
પરેશ ગોસ્વામી કહે છે કે, માર્ચ મહિનાની શરુઆતથી ઉનાળાનો અહેસાસ થવાનું શરુ થઈ જશે. તાપમાન પણ 35 ડિગ્રીને પાર થઈ શકે છે. માર્ચના પહેલા અઠવાડિયામાં ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવી શકે છે. ખેડૂતોને સલાહ આપતા તેઓ જણાવે છે કે, ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તે પહેલા જો જીરું તૈયાર થઈ ગયું હોય પાકને સાચવી લેવો તે જ ખેડૂતોના હિતમાં રહેશે.