Tarabh Valinath Mahadev : મહેસાણાના તરભ વાળીનાથ ધામની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અહીં PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. મહત્વનું છે કે, સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ તરફ અહીં 5 લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકઠા થવાની સંભાવના હોઇ હાલ પોલીસ બંદોબસ્ત પણ કડક કરવામાં આવ્યો છે.
ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર
ગુજરાતમાં સોમનાથ મહાદેવ બાદ આ બીજા નંબરનું સૌથી મોટું મંદિર છે. શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે. લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
400 કિલોથી વધુનું ઝુમ્મર
શિવ મંદિર પરિસરમાં વિશાળ ઝૂમર લગાવવામાં આવ્યું છે. આ ઝૂમરનું વજન 400 કિલોથી વધુ છે અને તે 18 ફૂટ જેટલું લાંબુ છે. તેમાં 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. તો મંદિરના ગર્ભગૃહમાં વિશેષ 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવવામાં આવ્યા.
તમામ તૈયારીઓ પૂર્ણ
તરભ શિવધામ વાળીનાથ મંદિરમાં આજે અનેક દિગ્ગજોના આગમનને વિશેષ તૈયારી કરાઇ છે. વડાપ્રધાન મોદીના સંબોધન માટેનો સભાસ્થળ પણ તૈયાર કરી દેવાયો છે. વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે. તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે. આ દરમિયાન વડાપ્રધાન 8 હજાર કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવાના છે. આજના કાર્યક્રમ માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે 400 સરકારી બસો અને 100 ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા 22 ફેબ્રુઆરી સુધી ચાલશે.
જાણો કેવું છે તરભ શિવધામ વાળીનાથ મંદિર ?
આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે જેના મુખ્ય ગર્ભ ગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ જમણી બાજુએ બીજા ગર્ભ ગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભ ગૃહમાં કુળદેવી પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામવાની છે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યાથી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટ ભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંત થી નિર્માણ પામ્યું છે મંદિરમાં 68 ધર્મ સ્થંભો ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલ પથ્થર નું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે. ઐતિહાસિક નુતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પ કલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.