Ram Navmi 2024: દેશભરમાં ચૈત્ર નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે 17 એપ્રિલના રોજ રામ નવમીનો પર્વ દેશમાં ઉજવવામાં આવશે. રામ નવમીના પવિત્ર અવસરે રાજકોટ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રામ નવમીના દિવસે રાજકોટના અર્બન ફોરેસ્ટમાં 12 વર્ષથી નાના બાળકો અને સિનિયર સિટીઝન્સને મફતમાં એન્ટ્રી આપવામાં આવશે.
રાજકોટમાં આવેલું રામવન 47 એકરમાં ફેલાયેલું છે. આ વનમાં 60 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ રામવનમાં રામ-ભરતનું મિલન સહિત સમગ્ર રામાયણ આધારિત પ્રસંગો ને આવરી લેવામાં આવ્યાં છે. આ પાર્કમાં સ્થાપિત 30 ફૂટની રામ ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે.
રામ વનમાં રામસેતુ સહિત બે અલગ અગલ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. અહીંયા ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા છે. પાર્કમાં ફરવા આવતા લોકો માટે ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રામ વનમાં તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરમાં સૌથી વધારે ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશદ્વાર, સંજીવની બુટી સાથે પર્વત લઈ આવતા હનુમાનજી મહારાજના સ્કલ્પ્ચર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
રામ વનમાં ખાસ કરીને ટુરિસ્ટો અને રાજકોટવાસીઓ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીંયા ઇલેક્ટ્રિક કારની સુવિધા સાથે વિવિધ પ્રસંગોના દર્શન કરી શકે તે પ્રકારનું સેટઅપ કરવામાં આવ્યું છે.